સમગ્ર ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પત્રકારોનું પ્રતિનિધિત્વ કરતી અગ્રણી સંસ્થા અજાજ મીડિયા ટ્રસ્ટની કારોબારી બેઠક પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. બેઠકમાં ટ્રસ્ટની પ્રવૃત્તિઓ, પ્રગતિ અહેવાલ, સંગઠનના વિવિધ પ્રશ્નો તથા ભાવિ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના ફોટાને પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રમુખ અને બેઠકના આયોજક રમેશ સોલંકીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત હોદ્દેદારો અને કારોબારી સભ્યોનું પાટણના પ્રસિદ્ધ પટોળાના પ્રતિકરૂપ ખેસ તથા દેવડા મીઠાઈ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન આકાશવાણીના ડેપ્યુટી ડાયરેક્ટર પદેથી નિવૃત્ત અને ટ્રસ્ટના મહામંત્રી ભરત દેવમણીએ મહારાષ્ટ્રના જાણીતા પત્રકાર ઉત્તમ કાંબળેના મરાઠી પુસ્તક અગ્નિપથ ના પોતાના ગુજરાતી અનુવાદની નકલો ઉપસ્થિત સભ્યોને ભેટરૂપે અર્પણ કરી હતી. આ ઉપરાંત ટ્રસ્ટના પૂર્વ હોદ્દેદાર, પાટણ યુનિવર્સિટીના અધિકારી અને તાજેતરમાં પાટણ નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાયેલા રાજેશ ઝાલાનું સંસ્થા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં ટ્રસ્ટના ચીફ પેટ્રન મૂળચંદ રાણા, પૂર્વ પ્રમુખ નટુભાઈ પરમાર, મહામંત્રી ભરત દેવમણી, ઉપપ્રમુખ ડો. પ્રવીણ સોલંકી, બાબુભાઈ મેસરવાળા, જયેશ વેગડા, નિવૃત્ત અધિકારી પી.બી. શ્રીમાળી, પૂર્વ પ્રમુખ દિનેશ પરમાર, જયંતી માંડલિક, માંડલિક, શૈલેષ પરમાર, રાજેશ ઝાલા સહિત મહેસાણા અને પાટણ જિલ્લાના અનુસૂચિત જાતિના પત્રકારો તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન ટ્રસ્ટના અગાઉના વર્ષોના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા, જેને સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી હતી. ચર્ચા દરમિયાન જાણવા મળ્યું કે સંસ્થાના વિવિધ કાર્યક્રમો માટે ભૂતકાળમાં ચીફ પેટ્રન મૂળચંદ રાણા પાસેથી લોન સ્વરૂપે નાણાં લેવામાં આવ્યા હતા. મૂળચંદ રાણાએ ઉઘરતા ઘખવી આ સમગ્ર રકમને દાન તરીકે જાહેર કરી સંસ્થાને મહત્વપૂર્ણ આર્થિક સહયોગ આપ્યો હતો.
સંસ્થાના આર્થિક સશક્તિકરણ માટે ઉપસ્થિત સભ્યોએ અંઘજે રૂ. ૧૫ હજારથી વધુની ધનરકમ જાહેર કરી હતી. પૂર્વ પ્રમુખ દિનેશ પરમારએ પણ સંસ્થાના હિતમાં વધુ સક્રિય રીતે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બેઠકમાં સર્વાનુમતે શંકરલાલ પરમારને ખજાનચી તથા જયેશ વેગડાને સહમંત્રી તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા. મહામંત્રી ભરત દેવમણી અને ચીફ પેટ્રન મૂળચંદ રાણા દ્વારા આરોગ્ય તથા સમયના અભાવના કારણોસર આપવામાં આવેલા રાજીનામા સર્વસંમતિથી નામંજૂર કરી તેમને યથાવત પદ પર કાર્યરત રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
સંસ્થાના સ્થાપક સભ્ય અને પૂર્વ પ્રમુખ નટુભાઈ પરમારએ સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા આહ્વાન કર્યું હતું. સાથે જ નટુભાઈ પરમાર અને પૂર્વ માહિતી અધિકારી ધીરજ કોટવાળએ પત્રકારોને સરકારી પેનલ, એક્રેડિટેશન કાર્ડ, સરકારી જાહેરાતો સહિતના વિવિધ વિષયો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આગામી બેઠક અંબાજી ખાતે યોજવાની જાહેરાત દિનેશ પરમારએ કરી હતી, જયારે ગાંધીનગર ખાતે ભાવિ બેઠક યોજવાની જાહેરાત બાબુભાઈ મેસરવાળાએ કરી હતી. નિવૃત્ત અધિકારી અને સાહિત્યકાર પી.બી. શ્રીમાળીએ સંસ્થાને સતત સક્રિય અને જીવંત રાખવા દર મહિને બેઠક યોજવાની સલાહ આપી હતી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો અને પત્રકારમિત્રોએ પાટણ સ્થિત માયા ટેકરી ખાતે વિરમાયાદેવના પવિત્ર સ્થળની મુલાકાત લીધી હતી તેમજ બહુજન નાયકને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે પ્રમુખ રમેશ સોલંકી દ્વારા પટોળાની પ્રતિકરૂપ ખેસ અને દેવડાથી સૌ સભ્યોનું સન્માન કરવામાં આવ્યુ હતું.

